ગિફ્ટ સિટીને ચાર ચાંદ: ગુજરાતનો પહેલો કેબલ સ્ટેજ બ્રિજ, એક અબજનો થશે ખર્ચ

30 Dec, 2014

ગાંધીનગરની આગવી ઓળખ બની રહેનારા ગિફ્ટ સિટી પ્રોજેક્ટને ચાર ચાંદ લગાડવાની કવાયત દરમિયાન રાયસણથી ગિફટ સિટી જતાં વચ્ચે આવતી સાબરમતી નદી પર રાજ્યનો આ પ્રકારનો પ્રથમ કેબલ સ્ટેડ બ્રિજ બાંધવા માટેનું જમીની કામ આરંભી દેવામાં આવ્યું છે. જેને સિગ્નેચર બ્રિજ નામ અપાયું છે. તેનું બાંધકામ માર્ચ-2015 સુધીમાં પૂર્ણ થઇ જવાનો અંદાજ છે. તેના પાછળ આશરે 1 અબજનો ખર્ચ થવાની ધારણા છે.

 વિદેશના શહેરોને ટક્કર મારે તે પ્રકારે ડિઝાઇન કરાયેલા દેશના આવા પ્રથમ આયોજીત શહેરની ગરિમાને ધ્યાને રાખીને જ તેને આનુસાંગિક દરેક યોજના હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર ગિફ્ટ સિટીમાં વાતાનુકૂલિત વાતાવરમ જળવાઇ રહે તે માટે અહીં સતત પાણી ભરેલુ રહે તેવી વોટર બોડિઝ ઉભી કરવામાં આવનાર છે. તેના અનુસંધાને જ હવે સંત સરોવરની યોજના યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
 
સંત સરોવરનું કામ પણ એકાદ વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવશે. પરિણામે ગિફ્ટ સિટીમાં કાયમી ધોરણે વહેતા અને બંધિયાર પાણીની વ્યવસ્થા જે રીતે જોઇએ તે પ્રકારે કરી શકાશે. કેમ કે સંત સરોવરને ચોમાસાના દિવસોના પાણી સિવાય પણ અમદાવાદના રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ માટે નર્મદાના પાણી ઠાલવવામાં આવે છે તેમ ભરેલો રાખવામાં આવશે. સંત સરોવર બાદ ગાંધીનગરમાં પણ ગિફ્ટ સિટીને જોડતો રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ ચાલુ કરાશે. તેના માટેના નિર્ણયો પહેલાથી લેવાઇ ચૂકેલા છે.

રાજ્યમાં ભાવનગર પાસે એક કેબલ સ્ટેડ બ્રિજ આવેલો છે. પરંતુ ગાંધીનગરને ગિફ્ટ સિટી સાથે જોડતાં સિગ્નેચર બ્રિજ સાથે જોડાયેલા ઇજનેરી સુત્રો એમ કહે છે કે અહીંનો બ્રિજ અલગ પ્રકારે ડિઝાઇન કરાઇ રહ્યો છે અને આ પ્રકારનો રાજ્યનો પ્રથમ બ્રિજ બની રહેશે. નોંધવું રહેશે કે સિગ્નેચર બ્રિજની યોજના માટે હાલમાં 90 કરોડનો ખર્ચ અંદાજ રાખવામાં આવ્યો છે. પરંતુ સુત્રો જણાવે છે કે તેને સંપૂર્ણ કરવા સુધીમાં ખર્ચ વધીને એક અબજની આસપાસ પહોંચી જશે અથવા તેનાથી વધી પણ શકે છે.

ચિલોડા લાઇન ડાઇરેક્ટ થઇ જશે

અમદાવાદના સરખેજ અને વિસત રૂટ પર થઇને હિંમતનગર તરફ જનારા વાહનોએ ગાંધીનગર શહેરમાંથી ફરજિયાત પસાર થવું પડે છે. પરંતુ સિગ્નેચર બ્રિજ બંધાઇ ગયા પછી આ વાહનો રાયસણ સુધી આવીને આ બ્રિજ પસાર કરી સીધા જ ચિલોડા રોડ પર પહોંચી શકશે. પરિણામે ગાંધીનગરમાં શહેરની અંદરથી પસાર થતાં નાના અને મોટા વાહનો માટે ચિલોડા ડાઇરેક્ટ લાઇન થઇ જવાથી અંતર ઘટશે અને ઇંધણની બચત થવા સાથે પાટનગરમાં ટ્રાફિકની સમસ્યાને નિવારી શકાશે.
 

Loading...

Loading...