આખું શહેર જ લીલા રંગથી રંગી નાખ્યું !

02 Jan, 2015

રાજસ્થાનનાં જયપુર શહેરને આખી દુનિયામાં પિન્ક સિટી એટલે કે ગુલાબી શહેર તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ હવે બિહારનું એક શહેર ગ્રીન સિટીની ઓળખ પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે. રાજધાની પટનાથી લગભગ ૨૦૦ કિલોમીટર દૂર આવેલા ભભુઆ શહેરને છેલ્લા એક વર્ષથી ગ્રીન સિટીના રૂપમાં સજાવાઈ રહ્યું છે અને તે એટલે સુધી કે શહેરનાં તમામ મકાનો, સડકોની બંને તરફની ઇમારતો અને તમામ સરકારી ભવન, ઇમારતોને લીલા રંગથી રંગી દેવામાં આવી છે. આ શહેરનો નજારો જોતાં એમ લાગે કે તમે ખરેખર જ ગ્રીન સિટીમાં આવી ગયા છો!

બિહારના કૈમુર જિલ્લાનું આ મુખ્યાલય છે, ભભુઆ શહેરને ગ્રીન સિટી બનાવવાનું આ અભિયાન ઘણા સમયથી ચાલી રહ્યું છે. કૈમુરનગર પરિષદે આ વર્ષે જાન્યુઆરીમાં આ શહેરને ગ્રીન સિટી જાહેર કર્યું હતું અને શહેરને આ નવી ઓળખ એક અધિકારીની પહેલને કારણે મળી છે. હાલમાં રાજ્યના ખાદ્ય નિગમના પ્રબંધ નિર્દેશકની જવાબદારી સંભાળી રહેલા અરવિંદકુમાર સિંહે કૈમુરના જિલ્લાધિકારી હતા ત્યારે આ અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યા અનુસાર કોઇ જિલ્લાની કમાન પહેલીવાર સંભાળ્યા પછી તેઓને કંઇક અલગ કરવાનો વિચાર આવ્યો હતો અને આ માટે તેઓએ ભભુઆ શહેરને ગ્રીન સિટીના રૂપમાં વિકસિત કરવાની પહેલ કરી હતી.

 તેઓએ ગત વર્ષે દિવાળીમાં એક બેઠક યોજીને લોકોને પોતાનાં ઘરને લીલા રંગથી રંગવાની અપીલ કરી હતી ત્યારે માત્ર મકાનોને જ રંગવાનું અભિયાન હાથ ધરાયુ હતું અને શહેરની હરિયાળી તથા સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. ભભુઆના રહીશો કહે છે કે, એક તરફ આમ જનતાએ જિલ્લાધિકારીની અપીલને સહયોગ આપી પોતાનાં ઘરોને લીલા રંગથી રંગવાનું શરૂ કરી દીધું હતું તો બીજી તરફ સરકારી આદેશ ન હોવા છતાં લગભગ તમામ સરકારી મનોને પણ લીલા રંગથી રંગવાનું શરૂ કરી દેવાયું હતું.

લોકોનું કહેવુ છે કે લીલો રંગ એટલા માટે પસંદ કરવામાં આવ્યો કે કૈમુર જિલ્લો પોતાનાં હરિયાળાં ખેતરો અને પહાડીઓ માટે જાણીતો છે. ભભુઆનાં લોકો કહે છે કે હવે શહેર ઘણું ખૂબસૂરત જણાય છે, જોકે જિલ્લાધિકારી બદલાતાં આ અભિયાન થોડું મંદ પડી ગયું છે, હજુ સુધી જનઅભિયાન બની શક્યું નથી.

નવા વર્ષમાં કૈમુરનગર પરિષદે ગ્રીન સિટીની પ્રથમ વર્ષગાંઠ મનાવવાની યોજના બનાવી છે અને તેનો હેતુ આ નાનાં શહેરને ખાસ ઓળખ આપનાર આ અનોખી પહેલ સાથે લોકોને જોડવાનો છે. નગરપરિષદની કોશિશ છે કે મુખ્ય સડકની બંને તરફની ઇમારતો ઉપરાંત આખું શહેર 'ગ્રીન' દેખાવું જોઈએ અને આવનારા દિવસોમાં આ અભિયાન જારી રખાશે. નગરપરિષદે બધાને અપીલ કરી છે.

Loading...

Loading...