''ગુજરાતમાં પ્લાસ્ટ ઇન્ડીયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સ્થપાશે''

06 Feb, 2015

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે રાજ્યમાં પ્લાસ્ટિક ઊદ્યોગોને કુશળ માનવબળ ઉપલબ્ધ થઇ રહે તે માટે વાપીમાં પ્લાસ્ટ ઇન્ડીયા ઇન્ટરનેશનલ યુનિર્વસિટી સ્થાપવાની જાહેરાત કરી છે. આ સંદર્ભમાં તેમણે ગૌરવપૂર્વક જાહેર કર્યું હતું કે, દેશની આ પ્રકારની પહેલી આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત યુનિર્વસિટી શરૂ કરવામાં અમેરિકાની યુનિર્વસિટી ઓફ મેસેચ્યુએટસ લોવેલનો સહયોગ રાજ્ય સરકાર લેશે.
આ યુનિવર્સિટીની સ્થાપના પ્લાસ્ટિક ક્લસ્ટર અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગો નજીક કરાશે આ માટે જી.આઇ.ડી.સી. રાહત દરે ૪૦ એકર જમીન આપશે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં પ્લાસ્ટ ઇન્ડીયા ર૦૧પ મહાપ્રદર્શનીનું ઉદઘાટન કરતાં આ ગૌરવ ઘોષણા કરી હતી. પ્લાસ્ટ ઇન્ડીયા ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગરમાં પ ફેબ્રુઆરીથી ૧૦ ફેબ્રુઆરી દરમ્યાન આ નવમું ઇન્ટરનેશનલ પ્લાસ્ટીકસ પ્રદર્શન અને પરિસંવાદ યોજાઇ રહ્યાં છે. આનંદીબહેને પ્લાસ્ટીક હવે જીવન ઉપયોગી વસ્તુઓનું એક અંગ બની ગયું છે અને ગુજરાત અંદાજીત ૬પ૦૦ પ્લાસ્ટીક ઊદ્યોગોમાં રૂ. ર૪૦૦ કરોડનું મૂડીરોકાણ ધરાવે છે તથા ૬૧ હજાર વ્યકિતઓને રોજગારી પૂરી પાડે છે તેની ભૂમિકા આપી હતી. તેમણે ઉમેર્યું કે, ભારતમાં અને ગુજરાત રાજ્યમાં પ્લાસ્ટિક ઊદ્યોગ માટેનો કાચો માલ ઉપલબ્ધ છે સાથે પ્રોસેસિંગ અને ઉત્પાદન પણ થાય છે ત્યારે આપણે એવા આંતરરાષ્ટ્રીય માનદંડ-બેન્ચ માર્ક સાથેના ઉત્પાદન પર ધ્યાન આપીએ જે ભારતને પ્લાસ્ટિક ઊદ્યોગોના ઉત્પાદનનું આંતરરાષ્ટ્રિય હબ બનાવે. મુખ્યમંત્રીએ આ દિશામાં ત્રણ મહત્વપૂર્ણ કદમની (૧) સ્કીલ્ડ મેનપાવર-કુશળ માનવ સંશાધન (ર) લો-કોસ્ટ એન્ડ હાઇકવોલિટી પ્રોડકટ-ઓછી કિંમતે ઉચ્ચ ગુણવત્તાયુકત પેદાશ અને (૩) જીરો ઇફેકટ-ઝિરો ડિફેકટની આવશ્યકતા સમજાવી હતી. આનંદીબહેને કહ્યું કે, ગુજરાતમાં ઊદ્યોગોને કૌશલ્યયુકત માનવબળ મળી રહે તે માટે ઊદ્યોગોને આઇ.ટી.આઇ. સાથે જોડીને PPP મોડેલ વિકસાવ્યા છે. ઊદ્યોગોને તેમની જરૂરિયાત મુજબનું માનવબળ અને યુવાનોને રોજગાર અવસર મળે તે દિશામાં આગળ વધતાં વલસાડ જિલ્લાના ધરમપૂરના આદિવાસી ક્ષેત્રમાં CIPET-સિપેટ અને આદિજાતિ વિકાસ વિભાગ સંયુકત પણે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવાના છે. આ સેન્ટરની ફલશ્રુતિએ ર૦૦૦ જેટલા આદિવાસી યુવાધનને કૌશલ્ય નિર્માણ તાલીમ મળશે.
 
પ્લાસ્ટ ઇન્ડિયા 2015
આનંદીબહેને પ્લાસ્ટિક ઉત્પાદનોનો પર્યાવરણ પર કોઇ દુષ્પ્રભાવ ન પડે તેની વિશેષ કાળજી લઇને પ્લાસ્ટિક ઊદ્યોગ પર્યાવરણને અનુકુળ બને અને વેસ્ટ પ્લાસ્ટિક રિસાયકલીંગની ટકાવારી હાલ ૩૦ ટકા છે તે વધારવાનું 'મોરલ પોલિસીંગ' કાર્ય આ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઊદ્યોગો સાથે મળીને અપનાવે તેવો અનુરોધ કર્યો હતો.
 
ઝિરો ડિફેક્ટ પ્રોડક્ટ
મુખ્યમંત્રીએ આંતરરાષ્ટ્રિય બજારમાં સ્થાન જાળવી રાખવા ઝિરો ડિફેક્ટ પ્રોડક્ટ ગુણવત્તા માટે હિમાયત કરી હતી. પ્લાસ્ટીક ઊદ્યોગમાં ભિન્ન-ભિન્ન સ્થાનોએ બહુધા MSME કાર્યરત છે તેને સમાજરૂપે કવોલિટી-ગુણવત્તા વૃધ્ધિ માટેની આવશ્યકતા સ્પષ્ટ કરી હતી.

ગુજરાતે પ્લાસ્ટિક ઊદ્યોગો માટે ખાસ પ્રોત્સાહનો આપ્યા છે

આનંદીબહેને ગુજરાતે પ્લાસ્ટિક ઊદ્યોગો માટે ખાસ પ્રોત્સાહનો આપ્યા છે તે યુનિક કોન્સેપ્ટનો લાભ ઉઠાવવા પ્લાસ્ટિક ઊદ્યોગકારોને આહવાન કર્યું હતું. રાજ્યમાં મોટરકાર-ઓટોમોબાઇલ ઉત્પાદનોમાં પ્લાસ્ટિક પાર્ટસ મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે સાથે જ શિપબિલ્ડીંગમાં અને બાંધકામ ઊદ્યોગમાં પણ પ્લાસ્ટિક ઉત્પાદનો ઉપયોગી છે તેની વિગતે છણાવટ તેમણે કરી હતી.

પાઇપલાઇન યોજના

મુખ્યમંત્રીએ કહ્યું કે, તાજેતરમાં જ નર્મદાના જળ સબમાઇનોર કેનાલથી ખેતરે-ખેતરે પહોંચાડવાની ર૦૦૦ કરોડ રૂપિયાની અન્ડર ગ્રાઉન્ડ પાઇપલાઇન યોજનામાં પણ PVC પાઇપનો ઉપયોગ રાજ્ય સરકાર કરી રહી છે.

નરેન્દ્રભાઇ મોદીનો અભિગમ સાકાર કરશે
તેમણે રાજ્યની ઊદ્યોગનીતિમાં પ્લાસ્ટિક ઊદ્યોગનો ફોકસ સેક્ટર તરીકે સમાવેશ કરીને આ ક્ષેત્રે મૂડીરોકાણ, ટેક્ષ બેનિફિટ, માર્કેટીંગ અને ઇન્ટરનેશનલ પ્રમોશન વગેરે માટે વિસ્તૃત સહાય યોજના પણ ઘડી છે તેની રૂપરેખા આપી હતી. વાયબ્રન્ટ ગુજરાત-ર૦૧પ તહેત પ્લાસ્ટિક ઊદ્યોગના ક્ષેત્રે ગુજરાતમાં ૧૦૭૪ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેશન્સ સંપન્ન થયા છે તે આ ઊદ્યોગોમાં સ્કિલ ઇન્ડીયા અને મેઇક ઇન ઇન્ડીયાનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો અભિગમ સાકાર કરશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
 
પ્લાસ્ટ ઇન્ડીયા ફાઉન્ડેશન
મુખ્યમંત્રીને પ્લાસ્ટ ઇન્ડીયા ફાઉન્ડેશન દ્વારા કન્યા કેળવણી નિધિ માટે રૂ. પાંચ લાખનો ચેક આ અવસરે અર્પણ કરાયો હતો. નાણાં-ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલે ગુજરાતને મેન્યુફેક્ચરીંગ હબ બનાવવામાં પ્લાસ્ટિક ઊદ્યોગોના યોગદાનની પ્રસંશા કરી હતી. ગુજરાતમાં આવા ઊદ્યોગો પ્રદર્શનો અને મશીનરી મેન્યુફેક્ચરીંગ સેક્ટર માટે પ્રોત્સાહન પૂરાં પાડવાનું ધ્યેય ગતિશીલ ગુજરાત અન્વયે મુખ્યમંત્રી આનંદીબહેનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાખ્યું છે તેની સફળતાની ભૂમિકા સૌરભભાઇએ સમજાવી હતી.
 
પ્રધાનમંત્રીનો મેઇક ઇન ઇન્ડીયાનો સંકલ્પ
નાણાં મંત્રીએ વિશ્વના ઉત્પાદકો-એક્ઝીબિટર્સને ગુજરાતમાં ઊદ્યોગો સ્થાપવા પ્રેરિત કરતી રાજ્ય સરકારની ઊદ્યોગનિતી, પ્રોત્સાહન પોલિસીઓથી અવગત કરાવવા આવા પરિસંવાદ-પ્રદર્શનો ઉપયુક્ત બન્યા છે. તેમ જણાવી એવી અપેક્ષા દર્શાવી કે પ્રધાનમંત્રીનો મેઇક ઇન ઇન્ડીયાનો સંકલ્પ પણ આના પરિણામે સાકાર થશે.

પ્લાસ્ટ ઇન્ડીયા ફાઉન્ડેશનના પ્રમુખ સુભાષ કડકીઆએ સૌને આવકાર્યા

પ્રારંભમાં પ્લાસ્ટ ઇન્ડીયા ફાઉન્ડેશનના પ્રમુખ સુભાષ કડકીઆએ સૌને આવકાર્યા હતા. નેશનલ એકઝીકયુટીવ કાઉન્સીલના અધ્યક્ષ જે. આર. શાહ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એકઝીકયુટીવ ડાયરેક્ટર નિખીલ મેશવાની વગેરેએ પ્રાસંગિક સંબોધન કર્યા હતા. આ ઉદ્દઘાટન વેળાએ મુખ્ય સચિવ ડી. જે. પાંડિયન, વરિષ્ઠ સચિવઓ તેમજ પ્લાસ્ટિક ઊદ્યોગના અગ્રણીઓ, આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

 

Loading...

Loading...