Sex & Relationship

કેમેય કરીને જ્યારે કોઈ પુરુષની કામેચ્છા ન સંતોષાય ત્યારે...

 અનેક મહિલાઓ સાથે શારીરિક સંબંધ ધરાવતા પુરુષ માટે આપણે ફ્લર્ટ અથવા વુમનાઇઝર જેવા શબ્દોનો પ્રયોગ કરીએ છીએ. ઇતિહાસમાં કૅસાનોવા તથા ડૉન વન જેવા કેટલાક એવા કિસ્સા પણ મળી આવે છે જેમને આજે પણ દુનિયા તેમની આવી ઇમેજને પગલે યાદ કરે છે, પરંતુ આધુનિક મનોવિજ્ઞાન આ પ્રકારની માનસિકતાને એક બીમારી તરીકે જુએ છે જે એક સમયે સટાઇરિયાસિસ તરીકે ઓળખાતી હતી

 
મેડિકલ વર્લ્ડ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ
 
કહેવાય છે કે પુરષ સેક્સ માટે લગ્ન કરે છે અને સ્ત્રી લગ્ન માટે સેક્સ કરે છે. અલબત્ત, બધા જ પુરુષો માટે આવું એક સર્વસામાન્ય વિધાન આપી દેવું એ સમગ્ર પુરુષ જાતિનું અપમાન કર્યા બરાબર છે; પરંતુ કેટલીક ઘટનાઓ, પરિસ્થિતિઓ કે બીમારીઓ એવી ચોક્કસ હોય છે, જે પુરુષોની કામેચ્છા બેકાબૂ બનાવી શકે છે. બે અઠવાડિયાં પહેલાં આ લેખશ્રેણીમાં આપણે અતિશય કામુક સ્ત્રીઓની વાત કરી હતી. આ વખતે આપણે વાત કરીએ એના સામેના છેડા પર આવતા તીવ્ર કામેચ્છા ધરાવતા પુરુષોની. વિજ્ઞાન આ પરિસ્થિતિને સટાઇરિયાસિસના નામે ઓળખે છે. સટાઇરિયાસિસ એટલે એક એવી અવસ્થા જેમાં પુરુષોની સેક્સ માટેની ઇચ્છા અત્યંત પ્રબળ બની પ્રમાણભાન ભૂલી જાય છે, જેને પગલે ક્યારેક વિચિત્ર તો ક્યારેક શરમજનક તો ક્યારેક અતિશય જોખમી ઘટનાઓ બનવાની સંભાવના ઊભી થઈ શકે છે. 
 
સટાઇરિયાસિસ એટલે શું?
 
આ સવાલનો જવાબ આપતાં જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠ કહે છે, ‘સેક્સ એક કુદરતી આવેગ છે, જેની ઝંખના વ્યક્તિએ-વ્યક્તિએ બદલાય છે. અલબત્ત, કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિની સેક્સ માટેની ઇચ્છા એકાએક અત્યંત તીવ્ર બની જાય છે, જેની પાછળ એક નહીં તો બીજી માનસિક અથવા શારીરિક બીમારી કારણભૂત હોય છે. એક સમયે આવી પ્રબળ કામેચ્છા ધરાવતી સ્ત્રીઓ નિમ્ફમેનિઆક તરીકે ઓળખાતી હતી, જ્યારે પુરુષોમાં જોવા મળતી આ પરિસ્થિતિ માટે સટાઇરિયાસિસ જેવો શબ્દ વાપરવામાં આવતો હતો. અલબત્ત આ બન્ને શબ્દો મૂળે અપમાનજનક હોવાથી આધુનિક મનોવિજ્ઞાને એમનો પ્રયોગ કરવાનું બંધ કરી દીધું છે. હવે તેમના માટે હાઇપર સેક્સ્યુઅલ જેવો શબ્દ વાપરવામાં આવે છે. આવા લોકોની સમસ્યા એ હોય છે કે તેઓ દિવસ-રાત ફક્ત સેક્સના જ વિચારો, કલ્પનાઓ અને ક્રિયાઓમાં રચ્યાપચ્યા રહે છે. તેમની સેક્સ માટેની ઝંખના એટલી તીવ્ર હોય છે કે તેઓ કેમેય કરીને એના પર કાબૂ મેળવી શકતા નથી. તેથી એની પૂર્તિ માટે સતત પૉર્નોગ્રાફિક સામગ્રી, સાઇબર સેક્સ, હસ્તમૈથુન કે અનેક સ્ત્રીઓ સાથે સંભોગ કર્યા કરે છે એટલું જ નહીં; તેમની આ પ્રકારની વર્તણૂક તેમના અંગત જીવન તથા સામાજિક છબી પર માઠી અસર કરતી હોવા છતાં તેઓ એનાથી પોતાની જાતને દૂર રાખી શકતા નથી અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝનો ભય હોવા છતાં સતત એમાં રમમાણ રહે છે. સૌથી મોટી તકલીફ એ હોય છે કે બધું જ કર્યા પછી પણ તેમને સેક્સમાંથી મળતો સંતોષ તો પ્રાપ્ત થતો જ નથી. તેથી એ સંતોષની પ્રાપ્તિ માટે તેઓ કોઈ પણ હદ પાર કરવા પણ તૈયાર થઈ જાય છે.’
 
નિમ્ફોમેનિયા અને સટાઇરિયાસિસ 
 
અહીં નિમ્ફોમેનિયા અને સટાઇરિયાસિસ વચ્ચે રહેલો તફાવત સમજાવતાં જાણીતા સેક્સોલૉજિસ્ટ ડૉ. રાજ બ્રહ્મભટ્ટ કહે છે, ‘જ્યારે કોઈ સ્ત્રી હાઇપર સેક્સ્યુઅલ બની જાય છે ત્યારે તેની મૂળ ઇચ્છા સંતોષ મેળવવાની હોય છે. તેથી બને ત્યાં સુધી તે આવો સંતોષ પ્રાપ્ત કરવા પોતાના પાર્ટનર પાસે જ જવાનું વધુ પસંદ કરે છે, પરંતુ જ્યારે હાઇપર સેક્સ્યુઅલ પુરુષોની વાત આવે છે ત્યારે તેમને મન સંતોષ મહત્વનો રહેતો નથી. તેમને મન સેક્સની બાબતમાં જીત મહત્વની બની જાય છે. પોતે વધુ શક્તિશાળી કે વધુ સેક્સી છે એવું પુરવાર કરવા તેઓ એક કરતાં વધુ સ્ત્રીઓ સાથે સંબંધ બાંધે છે અને એ દ્વારા પોતાનો અહમ્ સંતોષવાનો પ્રયાસ કરે છે. ઉપરાંત કેટલાક સ્વભાવે હોમોસેક્સ્યુઅલ પુરુષો પોતાની હોમોસેક્સ્યુઆલિટી દુનિયાથી છુપાડવા આવી રીતે એક કરતાં વધુ સ્ત્રીઓ સાથે સંબંધ બાંધતા હોવાનું પણ જોવા મળ્યું છે.’ 
 
કેટલું જોખમી?
 
થિયરી કોઈ પણ જુઓ, પરંતુ હકીકત તો એ જ છે કે આવા લોકો અંદરખાને તો આત્મવિશ્વાસની ઊણપ તથા પોતે જે કરી રહ્યા છે એમાંથી આનંદ કે સંતોષ મેળવવાને સ્થાને અપરાધભાવથી પીડાતા હોય છે. વળી વહેલું-મોડું તેમનું આ પ્રકારનું વર્તન તેમના અંગત જીવનથી લઈ કામકાજના સ્થળ સુધી બધે સમસ્યાનું કારણ બની જ જાય છે, જેને કારણે તેઓ ડિપ્રેશન કે ઍન્ગ્ઝાયટીનો શિકાર પણ બની શકે છે. પરંતુ તેમનું મગજ એવું તે ચકરાવે ચડ્યું હોય છે કે ધીરે-ધીરે સેક્સ સિવાયની અન્ય બધી બાબતોમાંથી તેમનો રસ ઊડતો જાય છે, જેને પગલે ક્યારેક તેઓ સમાજ અથવા કાયદાની દ્રષ્ટિએ જે અપરાધ છે એવાં કામો કરતાં પણ અચકાતા નથી.
 
વારંવાર જોવા મળતાં કેટલાંક કારણો
 
હાઇપર સેક્સ્યુઆલિટીનું ચોક્કસ કારણ આપી શકાય નહીં. તેમ છતાં કેટલીક બીમારીઓમાં દરદીની કામેચ્છા અતિશય તીવ્ર બની જતી હોવાનું વારંવાર જોવા મળે છે. દા.ત. બાયપોલર ડિસઑર્ડર ધરાવતા દરદીઓનો મૂડ દરિયામાં આવતી ભરતી અને ઓટની જેમ બદલાયા કરે છે. જ્યારે ભરતી આવે ત્યારે સેક્સ સહિત બધી જ બાબતોમાં ઓવર ઍક્ટિવ બની જાય અને ઓટ આવે ત્યારે ડિપ્રેશનમાં સરી પડે. એવી જ રીતે કેટલાક અટિપિકલ ડિપ્રેશન ધરાવતા દરદીઓ પોતાની નિરાશામાંથી છુટકારો મેળવવા ખાવા, પીવા અને ઊંઘવા ઉપરાંત સેક્સમાં પણ પ્રમાણભાન ભૂલી જાય છે. ક્યારેક દારૂના રવાડે ચડેલા દરદીઓ પણ વ્યસનના શરૂઆતના તબક્કામાં સેક્સની વધુ પડતી માગણી કરવા માંડે છે. ડિમેન્શિયાના દરદીઓ પણ ઘણી વાર બીમારી આગળ વધતી જાય તેમ-તેમ લોકોની વચ્ચે પોતાનાં કપડાં કાઢી નાખવાં, લોકોની સામે પોતાના પ્રાઇવેટ પાટ્ર્સનું પ્રદર્શન કરવું, હસ્તમૈથુન કરવું, અભદ્ર ભાષા વાપરવી વગેરે જેવું સામાજિક દ્રષ્ટિએ અસ્વીકાર્ય વર્તન કરવા માંડે છે. આવું જ કંઈક સેક્સનું વ્યસન ધરાવનારાઓ સાથે પણ થાય છે. આધુનિક વિજ્ઞાનનું માનવું છે કે મગજમાં ડોપામીન નામના રસાયણનો સ્રાવ વધારનારી કોઈ પણ બાબતનું માનવજાતિને વ્યસન થઈ શકે છે જેમાં જુગાર અને દારૂના વ્યસનની સાથે સેક્સનો પણ સમાવેશ થાય છે. તેથી જેમ દારૂનું વ્યસન ધરાવનાર કોઈ વ્યક્તિ પોતાના ડર, પીડા વગેરે જેવી નકારાત્મક ભાવનાથી છુટકારો મેળવવા દારૂનો સહારો લેવાનો પ્રયાસ કરે છે એવી જ રીતે સેક્સનું ઍડિક્શન ધરાવનારા પોતાની તકલીફોથી ભાગી છૂટવા સેક્સને લગતી ક્રિયાઓમાં રચ્યાપચ્યા રહે છે; જેને પગલે તેમનામાં વધુપડતાં હસ્તમૈથુન, સાઇબર સેક્સ, પૉર્નોગ્રાફી મટીરિયલનો બેશુમાર ઉપયોગ ઉપરાંત વેશ્યાલયોની મુલાકાત તથા જાહેરમાં સેક્સ કરવાની વૃત્તિ પણ જોવા મળે છે. ભૂતકાળમાં માઇકલ ડગ્લસ, ડેવિડ ડ્યુકોવની, કૉમેડિયન રસેલ બ્રૅન્ડ તથા તાજેતરમાં ચાર્લી શીન સહિત હૉલીવુડની અનેક જાણીતી હસ્તીઓએ પોતે આ પ્રકારના ઍડિક્શનનો શિકાર બન્યા હોવાની કબૂલાત કરી છે.
 
એ સિવાય સ્કિઝોફ્રેનિયા, બ્રેઇન-ટ્યુમર, પ્રોસ્ટેટ એપિલેપ્સી ધરાવતા વૃદ્ધો, ટેમ્પોરલ લોબ એપિલેપ્સી, ક્લુવર બુસી સિન્ડ્રૉમ તથા જેઓ વગર કારણે એસ્ટ્રોજન નામના પુરુષ હૉર્મોનનાં ઇન્જેક્શન્સ લેતા હોય એવા લોકો પણ હાઇપર સેક્સ્યુઅલ બની શકે છે. ઉપરાંત નિયમિત ધોરણે વાયેગ્રા લેનારાઓ, કોકેન જેવા માદક પદાર્થોનું સેવન કરનારાઓ તથા પાર્કિન્સન્સ અને અટેન્શન ડેફિસિટ હાઇપર ઍક્ટિવિટી જેવી બીમારીઓમાં અપાતી દવાઓની આડઅસરરૂપે પણ દરદીની કામેચ્છા વેગવાન બની જતી હોવાનું જોવા મળે છે.
 
બહુ ઓછાં જોવા મળતાં કારણો
 
અહીં ડૉ. શેઠ બીજાં કેટલાંક કારણો ઉમેરતાં જણાવે છે, ‘કેટલાક પુરુષો કેસાનોવા કૉમ્પ્લેક્સથી પીડાતા હોય છે. આજના સમયમાં આપણે જેમને વુમનાઇઝર તરીકે ઓળખીએ છીએ તેવા આ પુરુષો પ્રેમની રમતમાં માહેર હોય છે. તેમને મન સ્ત્રી એક વ્યક્તિ નહીં, માત્ર એક રમકડું હોય છે જેનો તેઓ પોતાની શારીરિક વાસના પૂરી કરવા માટે ઉપયોગ કરી તરછોડી દે છે. આવા પુરુષો સતત નવા શિકારની શોધમાં રહે છે અને મહદ અંશે એક સમયે એક કરતાં વધુ સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવતા હોય છે. મનોવિજ્ઞાનમાં આ પુરુષો માટે લેટેન્ટ હોમોસેક્સ્યુઅલ જેવો શબ્દ પણ વાપરવામાં આવે છે અને કાર્લ ગુસ્તાક જૂન નામના મનોવૈજ્ઞાનિકે આપેલી થિયરી અનુસાર બાળપણમાં એક યા બીજા કારણસર પોતાની મા દ્વારા તરછોડાયેલા કે પછી અવગણનાનું પાત્ર બનેલા આ પુરુષો સામે આવતી દરેક સ્ત્રીમાં પોતાની માને શોધવાનો પ્રયત્ન કરે છે અને તેમની સાથે શરીરસંબંધથી જોડાવાનો પ્રયાસ કરે છે.’
 
સટાઇરિયાસિસની સારવાર
 
કેટલાંક વર્ષો પહેલાં દુનિયાના સૌથી જાણીતા ગૉલ્ફ પ્લેયર ટાઇગર વુડ્સનો કિસ્સો ખૂબ ચર્ચાસ્પદ બન્યો હતો. ડૉક્ટરોના નિદાન અનુસાર જાહેર જીવનમાં અત્યંત શાંત અને સરળ દેખાતો ટાઇગર અઢળક સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ ધરાવતો હતો, જેની પાછળ મૂળે તેનું સેક્સ માટેનું ઍડિક્શન જવાબદાર હતું. આ મનોરુગ્ણતા બહાર આવતાં ન ફક્ત તેની પત્ની એલિને તેને છૂટાછેડા આપી દીધા, પરંતુ ટાઇગરે કેટલોક સમય ગૉલ્ફનું મેદાન છોડી પોતાના વ્યસનમાંથી છુટકારો મેળવવા રીહૅબિલિટેશન સેન્ટરમાં દાખલ પણ થવું પડ્યું હતું. આવા રીહૅબિલિટેશન સેન્ટર્સમાં સારવારના નામે સૌથી પહેલાં તો દરદીની બ્લડ-ટેસ્ટ કરાવી તેના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન નામના પુરુષ-હૉર્મોનનું લેવલ તપાસવામાં આવે છે. જો એ પ્રમાણ સામાન્ય કરતાં વધુ હોય તો એને કન્ટ્રોલમાં લાવવા એ મુજબની દવાઓ અને ઇન્જેક્શન્સ આપવામાં આવે છે. લગભગ હૉસ્પિટલ જેવું જ સેટઅપ ધરાવતાં આવાં સેન્ટર્સમાં દરદી પાસે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરાવવામાં આવે છે. આવું કરતી વખતે દરદીનું મન ફરી પાછું અવળા વિચારોએ ન ચડે એ માટે તેને સતત કેટલીક ગ્રુપ ઍક્ટિવિટીમાં પણ વ્યસ્ત રાખવામાં આવે છે. આ રોગના મોટા ભાગના દરદીઓ બાળપણમાં શારીરિક શોષણનો ભોગ બન્યા જ હોય છે. એ આઘાતમાંથી તેમને બહાર કાઢવા તેમને કાઉન્સેલિંગ અને સાઇકોથેરપી પણ આપવામાં આવે છે. અલબત્ત જો દરદીની આ પ્રકારની વર્તણૂક પાછળ અન્ય કોઈ માનસિક કે શારીરિક બીમારી કારણભૂત હોય તો ડૉક્ટરો માટે સૌથી પહેલાં એ બીમારીની સારવાર કરવી આવશ્યક બની જાય છે.
 
હાઇપરસેક્સ્યુઅલિટીનું એક ખતરનાક કારણ
 
હાઇપરસેક્સ્યુઅલ પુરુષોની યાદીમાં કેટલાક સાઇકોપેથિક દરદીઓનો પણ સમાવેશ કરવામાં આવે છે, જેને સાદી ભાષામાં આપણે ઍન્ટિસોશ્યલ પર્સનાલિટી તરીકે ઓળખીએ છીએ. આવા લોકોને સમાજ, દુનિયા કે પોતાના પાર્ટનરની કોઈ પરવા હોતી નથી. સમાજ માટે ખતરનાક એવા આ દરદીઓ ફક્ત પોતાના મનોરંજન ખાતર અને ક્યારેક તો ફક્ત કરવા ખાતર કોઈનું ખૂન કે બળાત્કાર કરતીં પણ અચકાતા નથી. દુનિયામાં અનેક એવા સિરિયલ રેપિસ્ટ અને કિલર્સ થઈ ગયા છે જેમણે માત્ર પોતાના ક્ષણિક આવેગોને વશ થઈ ઢગલાબંધ મહિલાઓના બળાત્કાર કરી તેમની નર્મિમ હત્યા કરી નાખી હતી. કેટલાંક સંશોધનોમાં એવું જાણવા મળ્યું છે કે મહદંશે આ અપરાધીઓ પોતાના બાળપણમાં કોઈ ભયંકર માનસિક આઘાતનો ભોગ બન્યા હોય છે. જ્યારે કેટલાક તો માનસિક રીતે અસ્થિર પણ હોવાનું પાછળથી જાણવા મળે છે.
 
ભૂતકાળમાં આવા સાઇકોપેથિક અપરાધીઓની સુન્નત કરી તેમનાં વૃષણ કાઢી નાખવામાં આવતાં હતાં. આજકાલ વિદેશોમાં તેમને ઍન્ટિટેસ્ટોસ્ટેરોન ઇન્જેક્શન આપી તેમની સેક્સ માટેની ઝંખના ઓછી કરવાના પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. ડૉક્ટરોનું માનવું છે કે કેમિકલ કેસ્ટ્રેશન તરીકે ઓળખાતી સારવારની આ પદ્ધતિ દરદીની સેક્સ્યુઅલ ડિઝાયર ઓછી કરી તેમની આક્રમકતા પણ ઓછી કરી શકે છે.
Source By : gujaratimidday