Sex & Relationship

પ્રેગ્નન્સી રહે એની દવા લઉં અને પિરિયડ પણ આવે, એ માટે શું કરું?

 સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

 
સવાલ : મારાં લગ્નને પાંચ મહિના થયા છે. એક વાર પ્રેગ્નન્સી રહી ગયેલી, પણ હાલમાં બાળક જોઈતું ન હોવાથી અબૉર્શન કરાવેલું. હવે કોઈ ચાન્સ લેવો નથી એટલે ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ શરૂ કરી છે. મારી મોટી બહેન જે ગોળી લે છે એ જ ગોળીઓ લેવાની શરૂ કરી છે. એમાં બે પ્રકારની ગોળીઓ આવે છે. એક ૨૧ દિવસ લેવાની અને બીજી આખો મહિનો લેવાની. રોજેરોજ ગોળી લેવા છતાં પિરિયડ એની મેળે ચાલુ રહે એવી ગોળી સારી કે પછી ગોળી બંધ કરતાં પિરિયડ શરૂ થાય એવી ગોળી સારી? મારી બહેને જે ગોળી આપી છે એ આખો મહિનો લેવાની છે. એનાથી શરીરને કોઈ આડઅસર તો ન થાયને? મેં સાંભળ્યું છે કે આ દવામાં હૉમોર્ન્સ હોય છે. રોજ હૉમોર્નની ગોળીઓ લેવા છતાં પિરિયડ આવે એવું કેવી રીતે બને? હજી બાળકનું પ્લાનિંગ બાકી છે ત્યારે કઈ ગોળી લેવી એ સમજાતું નથી. 
 
જવાબ : જ્યારે બાળકનું પ્લાનિંગ કરવાનું બાકી હોય ત્યારે ગર્ભનિરોધ માટે કૉન્ડોમ સેફ અને સલામત વિકલ્પ છે. જોકે હંમેશાં કૉન્ડોમ વાપરવાનો આગ્રહ રાખવો જરૂરી છે. જો વારેઘડીએ એમાં ગરબડ થતી હોય તો જ ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેવી. હકીકતમાં મોંએથી લેવાની આ ગોળીઓ ૨૧ દિવસ જ લેવાની હોય છે. એ પછી સાત દિવસનો ગૅપ રાખવાનો હોય. એમ કરવાથી શરીરમાં હૉમોર્નના લેવલમાં બદલાવ થાય અને પિરિયડ્સ ચાલુ થાય. જોકે હવે કેટલીક દવા મૅન્યુફૅક્ચરિંગ કંપનીઓ ૨૧ દિવસની ગોળીઓ ઉપરાંત અલગ કલરની બીજી સાત ગોળીઓ પણ આપે છે જે અલગ રંગની હોય છે અને જે માત્ર પ્લેસિબો જ હોય છે. એમાં કોઈ ડ્રગ નથી હોતું. ડ્રગ ન હોવાથી એ હૉમોર્ન પર કોઈ અસર નથી કરતી. એને કારણે રોજેરોજ ગોળી લેવાની આદત જળવાઈ રહે છે અને વચ્ચે-વચ્ચે દવા લેવાનું ભુલાઈ જવાને કારણે ફૅમિલી-પ્લાનિંગમાં ગરબડ નથી થતી. 
 
તમારે ૨૧ દિવસવાળી ગોળી લેવી કે આખા મહિનાની એવી ચિંતા કરવાને બદલે કયાં હૉમોર્ન્સનું કૉમ્બિનેશન લેવું એ નક્કી કરવું જરૂરી છે. એ માટે મોટી બહેન કે બહેનપણીને નહીં, ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરવા જોઈએ.
 
Source By : gujaratimidday