news

રૂ. ૪૮૦૦ કરોડનાં ખર્ચે ૨૫૬ કિ.મી. ભાવનગર-સોમનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ બનશે

 

ભાવનગર થી સોમનાથ ૨૫૬ કિ.મી. રાષ્ટ્રીય માર્ગનું અંદાજીત રૂ. ૪૮૦૦ કરોડનાં ખર્ચે ૩૦ માસમાં બાંધકામ પૂર્ણ કરાશે. તેમ આ યોજનાનાં પ્રોજેક્ટ ડાયરેકટર રાજેન્દ્ર ભાટીએ જણાવ્યું હતું.
વેરાવળ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડો.અજયકુમારનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં તેમણે વધુમાં કહ્યું કે, આ રોડ ૪ લેન રહેશે. જેમાં ૨૪ મોટાપુલ, ૧૨૯ નાના પુલ, ૩૩૦ નાળા, ૪ રેલ્વે પુલ, ૫ ઓવરબ્રીજ અને ૧૯ બાયપાસ રસ્તાનું નિર્માણ થવાનું છે.
આ  પરિ યોજના ભાવનગરથી શરૂ થઇ તળાજા, મહુવા, ઉના, કોડીનાર થી પસાર થઇ વેરાવળ ખાતે પૂર્ણ થશે. આ પ્રોજેક્ટ અલંગ બંદર, પીપાવાવ બંદર, ઘોઘા જાફરાબાદ અને વેરાવળ બંદરને જોડશે. તેમ આ યોજનાનાં ટેકનીકલ પ્રબંધક અમરીશ માનકરે જણાવ્યું હતું.
ભારતીય રાજમાર્ગ વિભાગ દ્વારા નિર્માણ થનાર આ યોજનાનો બાંધકામનો ખર્ચ રૂ. ૩૬૦૦ કરોડ તેમજ જમીન સંપાદન / પુનવર્સન ખર્ચ સહિત કુલ રૂ. ૪૮૦૦ કરોડ અંદાજવામાં આવેલ છે. આ યોજના હાઇબ્રિડ એન્યુટી અનુસાર બનશે. રોડ સીમેન્ટ કોક્રીટ નો કરવામાં આવશે જેની ડિઝાઇન ૩૦ વર્ષની રહેશે. તેમશ્રી ભાટીએ વધુમાં જણાવ્યું હતું.
 

Source By :

Releated Post