news

ગુજરાતને સર્વગ્રાહી શિક્ષણ ગુણવતા-શિક્ષક સજ્જતાથી દેશનું અગ્રેસર બનાવવું છેઃ- મુખ્યમંત્રીશ્રી

 

મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે ગુજરાતને રાષ્ટ્રમાં કવોલિટી એજ્યુકેશન ક્ષેત્રે અગ્રીમ બનાવવા શિક્ષણમાં સર્વગ્રાહી ગુણવત્તા-શિક્ષક સજ્જતાનું પ્રેરણાદાયી આહવાન કર્યુ છે.
    આ સંદભર્માં તેમણે કહ્યું કે પ્રાથમિક શિક્ષણથી લઇને ઉચ્ચશિક્ષણ સુધીના હરેક તબક્કે શિક્ષકે વિદ્યાર્થી માનસને સમયાનુકુલ પરિવર્તન સાથેના શિક્ષણ માટે તૈયાર કરવું પડશે. તેમણે સ્માર્ટ યુગમાં શાળાઓ પણ સ્માર્ટ બને તેવું સમાજસેવા દાયિત્વ નિભાવવા શિક્ષકોને પ્રેરણા આપી હતી.
    શ્રીમતી આનંદીબહેને રાજ્યના દરેક ‘સ્માર્ટ વિલેજ‘માં સ્માર્ટ સ્કુલના નિર્માણની નેમ દર્શાવી હતી.
    મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત શિક્ષણ વિભાગની કાર્યશિબિરમાં ઉપસ્થિત વિશાળ શિક્ષક સમૂદાયને માર્ગદર્શક સંબોધન કરી રહ્યા હતા.
    મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ૧૪૦ RMSA શાળા, ૧૦૦ નવી સરકારી માધ્યમિક શાળાઓ, ૪૧ વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા ર૧ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, ર૦ સ્માર્ટ સ્કુલ અને પ૦ બાલા સ્કુલ તેમજ ૧૬ નવી સરકારી કોલેજોની જાહેરાત કરી હતી. તેને સૌ ઉપસ્થિત શિક્ષકોએ ગૌરવ સહ વધાવી હતી.
    શ્રીમતી આનંદીબહેન પટેલે પોતાના શિક્ષક તરીકેના સુદીર્ઘ અને લાંબાસમયના અનુભવોનું સહજ ભાવે ચિંતન રજૂ કરતાં ઉપસ્થિત શિક્ષકોને શાળામાં આવતું પ્રત્યેક બાળક ભાષાકીય જ્ઞાન, વાંચન-લેખનમાં સમૃધ્ધ બને તેવી વિસ્તૃત સમજ આપી હતી.
    તેમણે કહ્યું કે, બાળકમાં જિજ્ઞાસાવૃતિ, સુષુપ્તશકિતઓ પડેલી જ હોય છે. શિક્ષકે પોતાના સુઆચરણ અને વ્યવહારથી બાળમાનસને નિખાર આપવાનો સમાજસેવા ભાવ દર્શાવવો જોઇએ.
    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, શિક્ષણ અને શાળા એ બે એવી મહત્વપૂર્ણ બાબતો છે કે રાજ્ય સરકારના આરોગ્ય, પાણી પૂરવઠો, માર્ગ-મકાન, શ્રમ-રોજગાર દરેક વિષયો સાથે પ્રત્યક્ષ-પરોક્ષ સંકળાયેલા જ છે તેથી સર્વગ્રાહી-હોલિસ્ટીક એપ્રોચથી સંકલન કેળવી શાળા સંકુલમાં માળખાકીય સવલતો સરળ બને અને શિક્ષણની ગુણવત્તા વધે તે પરત્વે વિશદ છણાવટ કરી હતી.
શ્રીમતી આનંદીબહેન પટેલે એવું પ્રેરક સૂચન પણ કર્યુ કે, રાજ્યમાં રૂા. ૩પ હજાર કરોડ જેટલું માતબર ઔદ્યોગિક રોકાણ આવી રહ્યું છે, તેમજ ઊદ્યોગો સ્થાપવાના છે તેમાં સ્થાનિક યુવાકૌશલ્ય રોજગાર અવસરો માટે કોલેજોમાં કૌશલ્યવર્ધન કેન્દ્રો, કાઉન્સેલીંગ સેન્ટર શરૂ કરી કુશળ માનવબળ નિર્માણ થાય તે માટે કોલેજોના વર્ગખંડો અભ્યાસ બાદના સમયમાં ઉપયોગમાં લેવા જોઇએ.
    મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, જિલ્લા કક્ષાએ કલેકટર-ડી.ડી.ઓ.ની સાથે સંકલન કેળવીને જિલ્લાની –ગામની શાળા દત્તક લઇ તેની સુધારણા માટે પણ જિલ્લા ટિમ સાથે મળી કામ કરી શકે.
    તેમણે સૂચવ્યું કે રાજ્ય સરકારની ગરીબ કલ્યાણ મેળા સહિતની વિવિધ યોજનાઓના પરિણામે સમાજજીવનમાં આવેલા આર્થિક બદલાવનો તેમજ સ્થાનિક જરૂરિયાતના વિકાસકામોનો સર્વે શિક્ષણ જગત કરીને આયોજનમાં મદદરૂપ ભૂમિકા નિભાવી શકે છે.
    શ્રીમતી આનંદીબહેને આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળાના શિક્ષકો-ગામના આગેવાનોની સમિતી શાળા સંચાલન સમિતીના પરામર્શમાં રહીને બનાવવાની પ્રેરણા આપતાં વિશ્વાસ વ્યકત કર્યો કે બાળકના શિક્ષણની, તેના સારા નાગરિકત્વની નૈતિક જવાબદારી નિભાવી આ માનવશકિતનો મહાસાગર ગુજરાતને શિક્ષણની શ્રેષ્ઠતાએ પહોચાડશે જ.     
    શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલની ગતિશીલ સરકારને બે વર્ષની સફળતાને અભિનંદન આપતાં કહ્યું કે, આજે ઐતિહાસિક દિવસ એ છે કે, કોઇ વિભાગ પોતાની કામગીરીની જાહેરમાં સમીક્ષા કરે છે. આપણે કામ કર્યુ છે અને એટલે જ જાહેરમાં સમીક્ષા કરીએ છીએ. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ તથા નવતર પ્રયાસોના કારણે રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટયો છે. અને આગામી દિવસોમાં શુન્ય થાય તેવા પ્રયાસો રહેશે.
    શ્રી ચુડાસમાએ ઉમેર્યું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આજે ગુણાત્મક શિક્ષણ આપવાનો પ્રશ્ન છે ત્યારે આ માટે શિક્ષકોની ગુણાત્મકતા વધુ હોય તો જ ગુણાત્મક શિક્ષણ આપી શકીશું તે માટે આપણે સૌએ પ્રયાસો કરવા પડશે. તેમણે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારવા કરેલા પ્રયાસોને બિરદાવતા કહ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેદ્રભાઇ મોદીએ ગુજરાતને ૧૬ શૈક્ષણિક ચેનલોની મંજૂરી આપી છે જેના થકી શિક્ષણનો જ્ઞાનયજ્ઞ  આપણે આગળ વધારવો પડશે. તેમણે કોઇ ભોઇ ભાષાનો અભાવ નહીં, કોઇ ભાષાનો પ્રભાવ પણ ન હોવો જોઇએ તેનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું કે, પ્રાથમિક શિક્ષણ વિદ્યાર્થીઓને માતૃભાષામાં અપાય તે માટે આપણે સૌ સહિયારા પ્રયાસો કરવા અનિવાર્ય છે. રાજ્યની તમામ શાળાઓનો A+ ગ્રેડ બને તે માટે આજે આપણે સંકલ્પબદ્ધ થવું પડશે.
    આ પ્રસંગે શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી મુકેશ પુરીએ ઉપસ્થિત સૌનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, ગતિશીલ ગુજરાતના પ્રણેતા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલના કાર્યકાળના યશસ્વી બે વર્ષ પૂર્ણ થવાના અવસરે શિક્ષણ વિભાગની આ એક દિવસીય કાર્યશિબિર યોજાઇ છે. જેનો સમગ્ર શિક્ષણ વિભાગના કાર્યની સમીક્ષાનો મુખ્ય હેતુ છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષણની વ્યાપ અને ગુણવત્તામાં સર્વાંગી સુધારણા કરવામાં આ કાર્યશિબિર અત્યંત ઉપયોગી સાબિત થશે.
    આ કાર્યશિબિરમાં શરૂઆતમાં ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના નિયામક શ્રી ટી. એસ. જોષીએ છેલ્લા છ વર્ષના ગુણોત્સવના પરિણામની સમીક્ષા કરી હતી.
    આ પ્રસંગે ઉચ્ચ-ટેકનિકલ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી, શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી નાનુભાઇ વાનાણી, ગૃહ રાજ્યમંત્રીશ્રી રજનીકાન્તભાઇ પટેલ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર, મુખ્યસચિવશ્રી જી. આર. અલોરિયા, શિક્ષણ વિભાગના અધિકારીઓ, તજજ્ઞો અને શિક્ષણવિદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ વિભાગના અગ્રસચિવશ્રી પંકજ જોષીએ આભારવિધિ કરી હતી.

Source By :

Releated Post