Gujarat

રાજકોટમાં તા. 24મી જાન્યુઆરીએ હાફ મેરેથોન

સ્માર્ટ સિટી તરીકે પસંદગી પામેલા રાજકોટ ખરાઅર્થમાં સ્માર્ટ દેખાય એ માટે અવનવા પ્રયોજનો મહાપાલિકા દ્વારા થઈ રહ્યા છે. વિશ્વસ્તરે ચિત્ર નગરીની ઉપમા મળે તે માટે ૫૦ હજાર ચિત્રોથી શહેરને રંગવા બાદ હવે રાજકોટમાં બાળકોથી લઈ વૃધ્ધો સુધીના એક સાથે એક કિલોમીટરથી લઈ ૨૧ કિલોમીટર સુધી દોડે એ માટે મહાપાલિકા અને શહેર પોલીસ દ્વારા સંયુક્ત ઉપક્રમે હાફ મેરેથોનનું આયોજન કરાયું છે. ત્રીસ હજારથી વધુ લોકો દોડે એવી સંભાવનાઓ સાથે મનપા દ્વારા દોઢ વર્ષ બાદ યોજાનારી મેરેથોનની તૈયારીઓનો ધમધમાટ શરૃ કરાયો છે.
શહેરમાં સ્વચ્છતા અને ટ્રાફિક બાબતે વધુ જાગૃતિ કેળવાય એવા ઉદ્દેશ સાથે ૨૪ જાન્યુઆરીના રોજ યોજાનારી હાફ મેરેથોન વીશે મ્યુ.કમિશનર નહેરા, પોલીસ કમિશનર મોહન ઝાએ માહિતી આપી હતી. મેટ્રો સિટીની માફક રાજકોટમાં પ્રથમ વખત કરાયેલા આયોજન વીશે એવું જણાવાયું હતું કે, લોકોમાં નવી ઉર્જાનો સંચાર થાય, આત્મ વિશ્વાસનો વધારો થાય અને અન્યોને પ્રેરણા મળે તેવા આશય સમાયેલો છે. હાફ મેરેથોનનો આરંભે તા.૨૪ જાન્યુઆરીએ સવારે છ કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતેથી થશે. મેરેથોનમાં જોડાવવા માટે મહાપાલિકાની વેબ સાઈટ મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન ઉપરાંત મનપાના દરેક સિવિક સેન્ટરોમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન ફી (દોડવા માટે) ૩૦૦ રૃપીયા નક્કી કરાઈ છે. તંત્રને અંદાજે ત્રીસ હજારથી વધુ લોકો હાફ મેરેથોનમાં જોડાશે તેવી આશા છે. સ્પર્ધામાં જોડાનારા વિજેતાઓને ૧૨.૭૦ લાખ રૃપીયા સુધીના ઈનામો આપવામાં આવશે. તેમજ સ્પર્ધકને ટી-શર્ટ, પાણી, એનર્જી ડ્રીક્સ, ફળ, રીલીફ સ્પ્રે સહિતની કીટ આપવામાં આવશે. હાફ મેરેથોનમાં પ્રેકટીશ માટે મહાપાલિકા દ્વારા દર રવિવાશે રેસકોર્ષ ખાતે સ્પર્ધકો માટે વર્કશોપ અને ટ્રાયલ રનનું આયોજન કરાશે. હાફ મેરેથોનના ખર્ચને પહોંચવી વળતા માટે સ્પોન્સરશીપ અપાશે તેના માટે કેટલાક સાથે બુધવારે મિટીંગ રખાઈ છે. મહિલા, પુરૃષો, બાળકોથી લઈ સિનિયર સિટીઝનમાં ત્રીસ હજારથી વધુની સંખ્યા કરવાની હોવાથી સ્પર્ધકોની સંખ્યા માટે ખાનગી સંસ્થાઓ, શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ, એનજીઓ સહિતનાઓનું સંપર્ક અભિયાન શરૃ કરાયું છે. હાફ મેરેથોન સફળ બને એ માટે મેરેથોનમાં કોઈ સેલીબ્રીટી, ખેલાડીઓ જોડાય તેવા પ્રયાસો પણ મનપા દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે.