Gujarat

મોરારીબાપુની રામકથા પહેલી વાર ચોટીલામાં

પ્રખર રામાયણકાર મોરારીબાપુની હવે પછીની રામકથા સપ્ટેમ્બર મહિનામાં નાશિકમાં શરૂ થવાની છે, પણ એ પછીની બાપુની રામકથા ચામુંડા માતાના ધામ એવા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ચોટીલામાં થવાની છે. મોરારીબાપુ પોતાની તમામ રામકથા કોઈને સમર્પિત કરે છે. આ રામકથા મોરારીબાપુએ શક્તિ અને આદ્યને સમર્પિત કરી છે. ચોટીલામાં મોરારીબાપુ દ્વારા પહેલી વખત રામકથા કરવામાં આવશે. ઑક્ટોબર મહિનામાં આવતી આસો નવરાત્રિના પહેલા નોરતાથી શરૂ થનારી આ રામકથા દરમ્યાન મોરારીબાપુ ચોટીલાથી અઢાર કિલોમીટર દૂર રાજકોટ પાસે આવેલા પ્રભુ ફાર્મ નામના ફાર્મહાઉસમાં રહેશે અને કથા માટે દરરોજ અપ-ડાઉન કરશે.

મોરારીબાપુની આ રામકથામાં રામાયણમાં આદ્ય અને શક્તિનું શું મૂલ્ય હતું, સમગ્ર રામાયણ દરમ્યાન દેવીશક્તિએ શું ભાગ ભજવ્યો હતો અને જીવનમાં દેવી એટલે કે સન્નારીનું શું મહત્વ છે એ વાતને કેન્દ્રસ્થાને રાખવામાં આવશે. મોરારીબાપુ પોતાના જીવનકાળ દરમ્યાન પહેલી વખત ચોટીલામાં રામકથા કરશે.